- વૃદ્ધ પતિ કહે છે, ‘પત્નીને દર મિનિટે ચાર લીટર ઓક્સિજનની આવશ્યકતા હોય છે, દર સપ્તાહે 2 સિલિન્ડર મંગાવીએ છીએ, અત્યારે કોરોનાકાળમાં થોડી સમસ્યા થઈ હતી તો કલેક્ટર, એસપીને અરજી કરવી પડી હતી.’
- તેમણે કહ્યું - એન્જિનિયર છું અને એન્જિનિયર એ હોય છે, જે દરેક કામ કરી લે છે, હું સતત પલ્સ ઓક્સીમીટરથી ઓક્સિજન મોનિટર કરૂં છું અને તેના પ્રમાણે ઓક્સિજન સપ્લાઈને નિયમિત કરૂં છું.
Divyabhaskar.com
Oct 09, 2020, 11:33 AM ISTનવી દિલ્હી. ટ્વીટર પર 74 વર્ષીય એક વૃદ્ધ પતિએ એક ફોટો શેર કર્યો, આ ફોટોમાં તેઓ પોતાની 72 વર્ષીય પત્નીની સેવા કરતા નજરે પડે છે. તેમણે પોતાની પત્ની માટે ઘરને હોસ્પિટલમાં પરિવર્તિત કરી દીધું છે. જ્યાં ઓક્સિજન સિલિન્ડરથી લઈને વેન્ટિલેટર એમ તમામ સાધનો છે. રસપ્રદ એ છે કે આ બધું એ જ વ્યક્તિએ કર્યુ અને તેનું મેનેજમેન્ટ પણ તેઓ જ કરી રહ્યા છે. આ વ્યક્તિ અન્ય કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નહીં પરંતુ એક રિટાયર્ડ એન્જિનિયર છે. જેમનું નામ જ્ઞાનપ્રકાશ છે અને મધ્યપ્રદેશના જબલપુરમાં રહે છે. અમે તેમની સાથે વાત કરી તો તેમણે આ ફોટો પાછળની સમગ્ર વાત જણાવી.

વારંવાર હોસ્પિટલ જવું પડતું હતું તો ઘરને જ હોસ્પિટલમાં બદલી નાખ્યું
જ્ઞાન પ્રકાશના પત્ની કુમુદિની શ્રીવાસ્તવની વય 72 વર્ષ છે. જ્ઞાન કહે છે, ‘મારી પત્નીને છેલ્લા ચાર વર્ષથી અસ્થમાની બીમારી છે. અનેકવાર તેમને હોસ્પિટલમાં પણ એડમિટ કરવી પડતી હતી અને થોડા દિવસ પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા છેલ્લા ચાર વર્ષથી સતત ચાલી રહી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યાં મારી પત્નીને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી તો મેં એ પહેલા જ પોતાના ઘરમાં હોસ્પિટલનું સમગ્ર સેટઅપ તૈયાર કરાવ્યું હતું. સૌપ્રથમ ઓક્સિજન પાઈપલાઈનનું ફિટીંગ કરાવ્યું પછી એક રૂમને આઈસીયુમાં તબદીલ કર્યો. અહીં સક્શન મશીન, નેબુલાઈઝર, એર પ્યુરીફાયર અને વેન્ટિલેટર પણ છે. થોડા દિવસ પછી પત્નીને હોસ્પિટલમાંથી રજા મળ્યે ઘરે લાવ્યો.’
જ્ઞાને પોતાની કારમાં ઓક્સિજન ફિટિંગ કરાવીને સિલિન્ડર લગાવ્યા છે, કારને સંપૂર્ણપણે એમ્બ્યુલન્સમાં તબદીલ કરી છે. તેમને જ્યારે પણ કોઈ ઈમર્જન્સીમાં પત્નીને હોસ્પિટલ લઈ જવાની થાય તો આ કારથી જ જાય છે.
જ્ઞાન કહે છે કે હોસ્પિટલમાં દર્દીને ત્યાંથી ચેપ લાગે છે પણ ઘરમાં એવું નથી. હા, ક્યારેક ઈમર્જન્સીમાં હોસ્પિટલે જવું પડે છે પરંતુ અત્યારે હોસ્પિટલ કરતાં વધુ સારી રીતે ઘર પર પોતાની પત્નીની સેવા કરી શકે છે. પત્નીને દર મિનિટે ચાર લિટર ઓક્સિજનની જરૂર હોય છે. દર સપ્તાહે 2 સિલિન્ડર મગાવે છે, એક વર્ષથી સપ્લાઈ ચાલી તો સિલિન્ડર સમય પર મળી જાય છે. અત્યારે કોરોના કાળમાં થોડી મુશ્કેલી થઈ હતી તો ક્લેક્ટર, એસપીને અરજી કરી જેના પછી તેમણે તત્કાળ સપ્લાયરને કોલ કરીને અમને ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યો હતો.
આ બધું કેવી રીતે કર્યુ? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘હું એન્જિનિયર છું અને એન્જિનિયર એ હોય છે, જે દરેક કામ કરી લે છે. હું સતત પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન મોનિટર કરૂં છું અને તેના પ્રમાણે જ ઓક્સિજનની સપ્લાઈનું નિયમન કરૂં છું.

જ્ઞાન પ્રકાશ કહે છે, ‘મારી પાસે દરેક પ્રકારના ટૂલ્સ છે, હું દરેક કામ ઘરે જ કરી લઉં છું.’
મિકેનીકલ પ્રોડક્શનના અનુભવને મેડિકલ ઓપરેશન થિયેટરમાં કામે લગાવ્યો
જ્ઞાન કહે છે, ‘મારી વય 74 વર્ષ છે, કાનપુરમાં જન્મ થયો હતો. ધોરણ-9માં મારા શિક્ષક શિવનારાયણ દાસ જયસ્વાલ ‘ગાંધીજી’ હતા. જ્યારે અમે લોકો કેટલાક કામ કરી શકતા નહોતા તો તેઓ ખુદને સજા આપતા હતા. કેમકે તેમના માનવા પ્રમાણે જો શિક્ષક થઈને કોઈ વિદ્યાર્થીને સાચી રીતે સમજાવી ન શકે તો જ એ વિદ્યાર્થીએ એ કામ કર્યુ નહીં હોય. જ્ઞાને પોતાના ટીચરની એ જ વાતને પોતાના જીવનની પ્રેરણા બનાવી. જ્ઞાને ફોરેસ્ટ રેન્જર વન જોઈન કર્યુ, પરંતુ થોડા વર્ષ પછી તેઓ જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાં એન્જિનિયરીંગ એપ્રેન્ટિસ તરીકે આવ્યા. અહીં ચાર વર્ષ સુધી મિકેનિકલ એન્જિનિયરીંગમાં પણ રહ્યા. જ્ઞાન કહે છે, ‘અહીં મેં ઘણું શીખ્યું, એ અનુભવ મારા જીવનમાં અત્યાર સુધી કામ આવી રહ્યો છે. મેં મારા મિકેનિકલ પ્રોડક્શનના અનુભવને મેડિકલ ઓપરેશન થિયેટરમાં લઈ ગયો અને એના જ કારણે આજે હું ઘરમાં જ પત્નીને હોસ્પિટલ જેવી સુવિધા આપી શકું છું.
જ્ઞાન કહે છે કે જ્યારથી પત્ની પથારીવશ થઈ છે ત્યારથી મારૂં રૂટિન પણ બદલાઈ ગયું છે. હવે તે સવારે ઊઠીને સૌ પ્રથમ પત્નીને ગરમ પાણી પીવડાવે છે અને ખુદ પણ પીએ છે. પછી પત્નીને પોટ પર જ ટોઈલેટ કરાવે છે. ત્યારપછી બંને માટે ચા બનાવે છે, દરમિયાન ઓક્સિજન સપ્લાઈને મોનિટર કરે છે અને પછી દવા પણ આપે છે. જો કે, તેમણે એક કાયમી નર્સ પણ રાખી છે, જે ઈન્જેક્શન અને ડ્રિપ લગાવવાનું કામ કરે છે. જ્ઞાન કહે છે, ‘હું તેના બેડ પાસે જ મારા ટેબ પર ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ પણ જોઉં છું. આની જ મદદથી તેઓ સમાચાર વાંચે છે. સુપ્રીમ કોર્ટમાં ચાર જનહિત અરજીઓ કરી છે, તેનું અપડેટ પણ લેતા રહે છે. જ્ઞાન ભારે ગૌરવથી કહે છે, ‘મારી પાસે દરેક પ્રકારના ટૂલ્સ છે, હું દરેક પ્રકારનું કામ ઘરે કરી લઉં છું. હમણા વેન્ટિલેટરનું માસ્ક ટાઈટ હતું તો તેનો બેલ્ટ પણ ખુદ જ મોડીફાઈ કર્યો હતો.
જ્યારે પત્ની પ્રથમવાર બીમાર થઈ તો ડિપ્રેશનમાં આવી ગયા હતા
જ્ઞાનના પત્ની જ્યારે પ્રથણવાર વર્ષ 2016માં બીમાર થઈ તો તેઓ પણ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. ત્યારે તેમણે ડિપ્રેશનમાંથી બહાર આવીને યોગનો સહારો લીધો હતો. જ્યારથી પત્નીના ફેફસાં ફેઈલ્યોર થયા તો તે સંપૂર્ણપણે ઓક્સિજન લઈ શકતી નહોતી. આ સ્થિતને રેસ્પેરેટરી ફેલિયર સીઓટુ નોર્કોસિસ કહે છે. આવી સ્થિતિમાં દર્દીને હંમેશા ઓક્સિજન સપોર્ટ પર રાખવો પડે છે. જ્ઞાન કહે છે કે યુવાનીમાં તો બધુ મેનેજ થતું હતું, પરંતુ આજે મારી પત્નીને મારી વધુ જરૂર છે, હવે મને પ્રેમ કરતાં વધુ કર્તવ્ય બોધ છે. આજે હું જે કંઈપણ છું, તેમાં તેનું સમાન યોગદાન છે. એવામાં મારી પણ જવાબદારી છે કે તેની સંભાળ લઉં.

વૃદ્ધજનોએ એ સ્વીકારવું જોઈએ કે બાળકો તેમની સાથે નહીં રહે
જ્ઞાન વર્ષ 1975થી જબલપુરમાં છે. તેમની પત્ની મેથેમેટિક્સની લેક્ચરર હતી. જેમણે પ્રિન્સિપાલ બનીને સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લીધું. 46 વર્ષનો પુત્ર આકાશ ખરે સોફ્ટવેર એન્જિનિયર છે, 1998માં તેઓ અમેરિકા ગયા અને હવે ત્યાં જ સેટલ્ડ છે. 43 વર્ષની પુત્રી પ્રજ્ઞા શ્રીવાસ્તવ પણ સોફ્ટવેર એન્જિનિયર છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે અને અત્યારે તે શિકાગોમાં સેટલ્ડ છે.
જ્ઞાન કહે છે, ‘બંને સંતાનો દરરોજ વીડિયો કોલ પર વાત કરે છે. ઘરમાં સિક્યુરિટી કેમેરા પણ લગાવ્યા છે, જેથી તેઓ જ્યારે ઈચ્છે ત્યારે અમારું લોકેશન જોઈ શકે છે. ગત વર્ષે નવેમ્બરમાં બંને અમને મળવા આવ્યા હતા. જ્ઞાન કહે છે કે તેમના દિલમાં કોઈ અભાવ નથી કે બાળકો આ વયમાં અમારાથી દૂર છે. અમે તેમને ભણાવ્યા છે કે તેઓ તેમના જીવનમાં સફળ થઈ શકે.
તેઓ કહે છે, ‘આ બિલકુલ વ્યવહારિક નથી કે કોઈ પોતાની નોકરી છોડીને અમારી પાસે આવી જાય. અહીં આવીને પણ શું કરશે? ત્યાંથી કંઈ નહીં તો પોતાનું કામ અને અમારી દેખભાળ તો કરી રહ્યા છે. હું પણ મારા પિતાના ગામમાં રહ્યો નહોતો, જીવનમાં વૃદ્ધજનોએ એ વાત સ્વીકારી લેવી જોઈએ કે બાળકો તેમની સાથે ન રહી શકે. જ્યારે બાળકો નથી તો બીજા પરિવારને એડપ્ટ કરી લો. આ વયમાં વાત કરનારાની જરૂર હોય છે. આ વયમાં કંજૂસી ન કરવી જોઈએ. જો પૈસા આપીશું તો કોઈપણ તમારી સેવા કરશે. મેં પણ મારી સાથે ભાડું લીધા વિના એક પરિવારને સાથે રાખ્યો છે.