વડોદરા / 'ડોક્ટરે કોરોનાનો ટેસ્ટ કરાવવાની ના પાડતા મારા મામાએ જીવ ગુમાવ્યો', કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારનો આક્રોશ

કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર કરાયા હતા
કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર કરાયા હતા
X
કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર કરાયા હતાકોરોના વાઈરસથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર કરાયા હતા

  • વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસથી 52 વર્ષના પુરૂષનું મોત થયું હતું
  • કોરોનાની સારવાર લઇ રહેલા 4 પરિવારજનોએ હોસ્પિટલમાં જ મૃતકના અંતિમ દર્શન કર્યાં
  • મૃતકના પરિવારે નિઝામપુરામાં ક્લિનીક ચલાવતા ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો
  • સયાજી હોસ્પિટલમાં કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Divyabhaskar.com

Aug 28, 2020, 03:00 PM IST

વડોદરા. વડોદરામાં કોરોના વાઈરસના કારણે પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામ લોકો કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા હોવાથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર ભાણેજની ઉપસ્થિતિમાં વહેલી સવારે ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. ભાણેજની પત્નીએ જણાવ્યું હતું કે, શ્રીલંકાથી આવ્યા બાદ તુરંત જ મારા મામા સસરા નિઝામપુરા વિસ્તારમાં ક્લિનીક ચલાવતા ડોક્ટર ચૈતન્ય જોષી પાસે બતાવવા ગયા હતા અને મારા મામા સસરાએ કોરોનાનો ટેસ્ટ કરવા માટે કહ્યું હતું પરંતુ ડોક્ટર ચૈતન્ય જોષીએ કોરોનાનો ટેસ્ટ કરાવવાની ના પાડતા મારા મામાએ જીવ ગુમાવ્યો છે. મારા મામા સસરાના અંતિમ દર્શન તેમના પરિવારને હોસ્પિટલમાં જ જરૂરી પ્રિકોશન લઇને કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ખાસવાડી સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો.
મામા સસરાના અવસાનના સમાચાર મળતા જ અમે સ્તબ્ધ થઇ ગયા
કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા શૈલેન્દ્રભાઇ દેસાઇની ભાણેજ વહુ નિધીબેન શાહે જણાવ્યું હતું કે, વહેલી સવારે 4 વાગે મારા મામા સસરાના અવસાનના સમાચાર આવતા અમે સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ સમાચાર મળતા જ મારા પતિ પ્રણવ શાહ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને તમામ પ્રિકોશન સાથે મામા સસરાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ખાસવાડી સ્મશાનમાં લઇ આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 4 પરિવારજનોને મૃતકના અંતિમ દર્શન કરાવાયા
તેમણે વધુમાં જણાવ્યું કે, કરૂણતા એ હતી કે, મારા મામા સસરા શૈલેન્દ્રભાઇને જ્યાં સારવાર આપવામાં આવી રહી હતી. તે વોર્ડની આજુબાજુમાં જ તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરીને પણ કોરોના વાઈરસની સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ કોરોના વાઈરસના નિયમોને કારણે તેઓ પરિવારના મોભીના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા નથી. માત્ર તેઓને તમામ જરૂરી પ્રિકોશન સાથે મારા મામા સસરાના અંતિમ દર્શન માટે સારવાર લઇ રહેલા પરિવારજનોને માત્ર મોંઢુ બતાવવામાં આવ્યું હતું.
નિઝામપુરાના ડોક્ટર ચૈતન્ય જોષી મારા મામા સસરાના મોત માટે જવાબદાર
નિધીબહેન શાહે ભારે રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે, મારા મામા સસરા શૈલેન્દ્રભાઇ દેશાઇનું મૃત્યુ થતાં અમારા પરિવાર પર આભ ફાટ્યું છે. અમારા પરિવાર ઉપર આજે જે સંકટ આવ્યું છે. તેના માટે જો જવાબદાર હોય તો તે નિઝામપુરાના ડોક્ટર ચૈતન્ય પી. જોષી છે. મારા મામા સસરા શ્રીલંકાથી આવ્યા ત્યારે તેઓને તાવ જેવું લાગતા ડો. ચૈતન્ય જોષીના ક્લિનીક ઉપર ગયા હતા. અને કોરોના વાઇરસનો ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, ડોક્ટર ચૈતન્ય જોષીએ કોરોના વાઇરસના ટેસ્ટની કોઇ જરૂરીયાત ન હોવાનું જણાવ્યું હતું. અને વાઈરલ તાવની દવા આપી વિદાય કરી દીધા હતા.
ડોક્ટરે ના પાડી છતાં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો
દરમિયાન મારા મામા સસરાને ધીરજ ન રહેતા તેઓ ત્રણ-ચાર દિવસ પછી સામે ચાલીને સયાજી હોસ્પિટલમાં ગયા હતા. અને તેઓએ ત્યાં કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓના પરિવારજનોનો ટેસ્ટ કરાવાતા તેઓના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. હાલ તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સારવાર લઇ રહેતા મૃતકના પુત્રએ કહ્યું: હું બહાર હોત તો ડોક્ટર પર કેસ કરી દીધો હોત
નિધીબહેન શાહે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, જો ડોક્ટર ચૈતન્ય જોષીએ મારા મામા સસરા શૈલેન્દ્રભાઇ દેસાઇનો તેજ દિવસે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી દીધો હોત તો કદાચ મારા મામા સસરા આજે જીવતા હોત. અને તેમના પરિવારજનો પણ હોસ્પિટલમાં કોરોના વાઈરસના કારણે સારવાર લેતા ન હોત. અમારા પરિવારનો મોભ છીનવા માટે જો કોઇ જવાબદાર હોય તો તે માત્ર નિઝામપુરાના ડોક્ટર ચૈતન્ય પી. જોષી છે. તેઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. હાલમાં સારવાર લઇ રહેલા મારા મામા સસરાના પુત્રએ પણ કહ્યું કે, જો હું બહાર હોત તો ડોક્ટર ચૈતન્ય જોષી ઉપર કેસ કરી દીધો હોત.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી