સાયક્લોન / 'વાયુ' વાવાઝોડાની ઝડપ વધી, વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા

કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટીમ અને પોલીસ
કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટીમ અને પોલીસ

  • રાજ્ય સરકારની તમામ વિસ્તારો પર ચાંપતી નજર
  • NDRFની 33 અને SDRFની 9 ટીમો તથા આર્મીની 11 કોલમ સ્ટેન્ડબાય
  • બે BSF અને 12 SRP કંપની તથા 300 મરિન કમાન્ડો ખડેપગે
  • 13-14 દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં બહારના લોકોએ અવરજવર કરવી નહીં
  • વીજ પુરવઠો, માર્ગોને જો નુકસાન થાય તો યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે
  • 10 હજારથી વધુ પ્રવાસીઓને પ્રવાસન સ્થળેથી પરત ખસેડાયા

Divyabhaskar.com

Jun 12, 2019, 08:33 PM IST

અમદાવાદઃ રાજ્યમાં આવનારા સંભવિત 'વાયુ' વાવાઝોડાને તંત્ર સજ્જતાથી કામગીરી કરી રહ્યું છે. આ અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, રાજ્યમાં પ્રવેશી રહેલા 'વાયુ' વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતા 150 થી 165 કિ.મી.ની રહેવાની સંભાવના છે. જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાંપતી નજર રાખીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને આ દિવસો દરમિયાન નાગરિકોએ બહાર અવરજવર ન કરવા બહારથી નાગરિકોને આ વિસ્તારોમાં ન જવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.

10 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ-પ્રભારી સચિવો ખડેપગે
પંકજ કુમારે વધુ વિગતો આપતા ઉમર્યું કે, આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરીને પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. રાજ્યના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવો ખડેપગે તૈનાત છે.

500 ગામડાઓમાંથી 2.15 લાખ નાગરિકોનું સ્થળાંતર, 2000 આશ્રયસ્થાનો કાર્યરત
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાંજે 6.૦૦ કલાક સુધીમાં 500 ગામડાઓમાંથી 2.15 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને 2000 આશ્રય સ્થાનોમાં તેમના માટે રહેવા, જમવા અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી દેવાઇ છે. રાત્રીના સમયે પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે. જેમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરાશે. સ્થાનિક સ્વૈચ્છિક સંથાઓ અને વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર પૂરતી વ્યવસ્થાઓ પણ કરાઇ છે.

જોખમી હોર્ડિંગ્ઝ ઉતારાયા, એરફોર્સ દ્વારા 9 હેલિકોપ્ટરની ટીમ ખડેપગે
પંકજ કુમારે આગળ કહ્યું કે, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જાનમાલને નુકસાન ન થાય તે માટે NDRFની 33 ટીમો, SDRFની નવ ટીમો, (જેમાં એક ટીમમાં 90થી 100 વ્યક્તિ હોય છે) આર્મીની 11 કોલમ, BSFની બે કંપની, SRPની 14 કંપની તથા મરિન 300થી વધુ કમાન્ડો તહેનાત કરી દેવાયા છે. તે ઉપરાંત એરફોર્સ દ્વારા 9 હેલિકોપ્ટરની ટીમો પણ પુરી પાડવામાં આવશે. સાથે સાથે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાય તો PGVCL કંપની દ્વારા પણ યુદ્ધના ધોરણે પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને તેના પરિણામે યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વવત કરી દેવાશે. આ ઉપરાંત માર્ગોને પણ જો નુકસાન થાય તો તે માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા તમામ સાધનો સહિત પૂરતી વ્યવસ્થાઓ દ્વારા 50 ટીમો કાર્યાન્વિત કરી દેવાઇ છે. રસ્તા પરથી મોટા જોખમી હોર્ડિંગ્ઝ પણ ઉતારી દેવાયા છે.

નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી
તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાને લઇને ડી-વોટરીંગ પમ્પની પણ પૂરતી વ્યવસ્થાઓ કરી દેવાઇ છે. સાથે સાથે વાવાઝોડાને પરિણામે ટેલિકોમ કોમ્યુનિકેશન ખોરવાય તો જે કંપનીનું નેટવર્ક ખોરવાઇ જાય તે સમયે અન્ય કંપની પર સ્વીચ ઓવર કરી દેવાશે, જેનો અલગથી ચાર્જ કોઈનાગરિકોને લાગશે નહીં. રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર વહીવટીતંત્ર કોઇપણ પ્રકારની કેઝ્યુલીટી થાય નહીં તે માટે સજ્જ કરી દેવાયુ છે જેનાથી નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

X
કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટીમ અને પોલીસકામગીરી કરી રહેલી એનડીઆરએફની ટીમ અને પોલીસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી