• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli and Mahuva police appeal to people to stay at home through songs, people see different forms of police

નવો અભિગમ / બારડોલી અને મહુવા પોલીસે ગીતો દ્વારા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી, લોકોએ પોલીસનું અલગ રૂપ જોયું

સ્પીકર સાથે પોલીસ જવાનો પણ ગીતથી લોકોને મનોરંજન પુરૂ પાડે છે
X

  • પોલીસની પ્રશંસનીય કામગીરી જોતાં ગ્રામજનો આનંદિત થઈ ગયા
  • પોલીસના નવતર અનોખા પ્રયોગને ગ્રામજનોએ બિરદાવ્યો છે

Divyabhaskar.com

Aug 28, 2020, 02:55 PM IST

બારડોલી. હાલ કોરોના વાયરસની મહામારીથી દેશ લોકડાઉન છે. આવા સંજોગમાં ઘરમાં બેસીને કંટાળેલી પ્રજાનાં મનોરંજન માટે બારડોલી અને મહુવા પોલીસે પણ ઇટાલીની પોલીસની જેમ નવો અભિગમની પહેલ કરી છે. પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરી સહકાર આપનારને ઘરે બેઠા મનોરંજન મળી રહે તે માટે પોલીસ જવાનો ગામે ગામ ફરી દેશભક્તિ તેમજ ભજન અને અન્ય ફિલ્મોના ગીતો ગાઈ જનતાને મનોરંજન આપી ભયમુક્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ પોલીસની આવી પ્રશંસનીય કામગીરી જોતાં ગ્રામજનો આનંદિત થઈ ગયા હતા અને પોલીસના નવતર અનોખા પ્રયોગને બિરદાવ્યો હતો. લોકડાઉન વચ્ચે જનતાને પણ પોલીસનું કંઈક અલગ રૂપ જોયું હતું.

પોલીસને સહકાર આપનારને મનોરંજન

હાલ સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસ પર કાબૂ મેળવવા માટે પ્રધાનમંત્રી દ્વારા આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન દરમિયાન ઘરે રહી પોલીસને સહકાર આપનાર તાલુકાની જનતાના મનોરંજન માટે બારડોલી પોલીસ મથકના ડીવાયએસપી રૂપલ સોલંકી અને મહુવા પોલીસ મથકના પ્રો. ડીવાયએસપી યુવરાજસિંહ ગોહિલ દ્વારા નવો જ અભિગમ અપનાવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી અને મહુવા તાલુકાની જનતાને લોકડાઉન દરમિયાન મનોરંજન મળી રહે અને તેમના મનમાંથી કોરોના વાઈરસનો ભય હળવો થાય તે માટે પોલીસ દ્વારા દરરોજ ગામે ગામ જઈ દેશભક્તિ તેમજ ફિલ્મી ગીતો ઉપરાંત ભજન અને કવાલી ગાવાની શરૂ કરી છે.

પોલીસ જવાનોએ પણ મનોરંજન પુરૂ પાડ્યું

કરચેલીયા ગામમાં પોલીસને ગીતો ગાતા જોઈ ગ્રામજનો આનંદિત થઈ ગયા હતા અને તેમના મનમાંથી ખાખીનો ડર પણ દૂર થયો હતો. પોલીસ દ્વારા ગવાતા ગીતો સાંભળવા માટે લોકો ટોળા ભેગા ન થઈ જાય તેનુ પણ ખાસ ધ્યાન પોલીસે રાખ્યું હતું. મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોકો જયેશભાઈ ગઢવી તેમજ તેમની સાથે અન્ય પોલીસ જવાનો પણ ગીતો ગાઈ ગ્રામજનોને મનોરંજન પૂરું પાડ્યું હતુ. લોકડાઉન દરમિયાન ગ્રામજનોના મનોરંજન માટે અલગ કામગીરી કરનાર પોલીસના આ અભિગમને ગ્રામજનોએ બિરદાવ્યો હતો.

લોકડાઉનનું વધુ સારી રીતે પાલન કરી શકે એ હેતુ

મહુવા પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઈટાલી પોલીસે લોકડાઉન સમયે પ્રજાના મનોરંજન માટે જે અભિગમ અપનાવ્યો હતો, એ જોતાં પોલીસને સહકાર આપનાર મહુવા તાલુકાની જનતાના મનોરંજન માટે આ અભિગમ અપનાવ્યો છે. પોલીસ ગામેગામ જઈ દેશ ભક્તિ ગીતો, ફિલ્મના ગીતો, ભજનો, ગઝલ , કવાલી ગીતો ગાઈ લોકોને મનોરંજન પુરુ પાડે છે અને જે લોકડાઉનનુ પાલન નથી કરતા તેમના વિરુદ્ધ તો મહુવા પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જ છે. પરંતુ જે ઘરે રહી લોકડાઉનનું પાલન કરી પોલીસને સહકાર આપે છે તેમને મનોરંજન પૂરુ પાડવાની પોલીસની ફરજ છે. જેથી તેઓ લોકડાઉનનુ વધુ સારી રીતે પાલન કરી શકે એ હેતુ માટે જ પોલીસે આ કાર્યક્રમનુ આયોજન કર્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી